એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું નિધન

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું નિધન

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું નિધન

Blog Article

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું લાંબી બિમારી પછી 25 નવેમ્બરે મધ્યરાત્રીએ મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતાં. તેઓ લગભગ એક મહિના પહેલા યુએસથી પરત આવ્યા હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

રુઈયા પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે રુઈયા અને એસ્સાર પરિવારના વડા શ્રી શશિકાંત રુઈયાના નિધનની ખૂબ જ દુઃખ સાથે જાણ કરીએ છીએ. તેઓ પરિવારમાં તેમની પત્ની મંજુ અને બે પુત્રો પ્રશાંત અને અંશુમનને વિલાપ કરતાં છોડી ગયા છે.

1965માં તેમના પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ તેમની કારકિર્દીની શરૂઆત કરીને શશિ અને તેમના ભાઈ રવિએ 1969માં એસ્સાર ગ્રુપનો પાયો નાખ્યો હતો. તે સમયે તેમને પોર્ટમાં આઉટર બ્રેકવોટર બનાવવા માટે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટ તરફથી રૂ.2.5 કરોડનો ઓર્ડર મળ્યો હતો. શરૂઆતના વર્ષોમાં એસ્સારે બાંધકામ અને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સંખ્યાબંધ પુલ, ડેમ અને પાવર પ્લાન્ટ બનાવ્યા હતાં. 1980ના દાયકામાં, એસ્સારે ક્રૂડ ઓઇલ અને ગેસ એસેટના સંપાદન સાથે ઊર્જા ક્ષેત્રમાં વૈવિધ્યીકરણ કર્યું હતું.

એક દાયકા પછી આ ગ્રુપ સ્ટીલ અને ટેલિકોમ્યુનિકેશન્સમાં મોટું ખેલાડી બન્યું હતું અને ગુજરાતમાં એક મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપ્યો હતો તથા હચિસન સાથેના સંયુક્ત સાહસમાં ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બનાવી હતી. વ્યાપારી હરીફોને કારણે ભંડોળ અટકાવવામાં આવ્યું હોવા છતાં ગુજરાતમાં ઓઇલ રિફાઇનરી બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

જોકે પછી ટેલિકોમ બિઝનેસમાંથી એક્ઝિટ લીધી હતી. ઓઇલ રિફાઇનરી રશિયાના રોઝનેફ્ટની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને વેચી દીધી હતી. નાદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે એસ્સાર ગ્રુપે આર્સેલર મિત્તલને સ્ટીલ પ્લાન્ટ્સ વેચવા પડ્યા હતા.

તેમણે એક નાના કન્સ્ટ્રક્શન બિઝનેસને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપમાં ફેલાવ્યો હતો. રુઈયાના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં એક મહાન વ્યક્તિત્વ હતાં. તેમણે નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ ધોરણો પણ સ્થાપિત કર્યા હતા. તેઓ હંમેશા વિચારોથી ભરેલા હતા અને હંમેશા ચર્ચા કરતા હતા કે આપણે આપણા દેશને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ,”

રુઈયા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ની મેનેજિંગ કમિટીમાં હતા. તેઓ ભારત-અમેરિકા જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રુઈયા વડાપ્રધાનના ભારત-યુએસ સીઈઓ ફોરમ અને ઈન્ડિયા-જાપાન બિઝનેસ કાઉન્સિલના સભ્ય હતા.

એસ્સારનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે. કંપની એનર્જી, મેટલ્સ અને માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને સર્વિસિસના સેક્ટરમાં કામ કરે છે. શશિ રુઈયાને બિઝનેસ ઈન્ડિયા બિઝનેસમેન ઓફ ધ યર એવોર્ડ 2010 પણ આપવામાં આવ્યો હતો.

 

Report this page